પોલીસ અધિક્ષક, વડોદરા
http://www.spvadodara.gujarat.gov.in

ટુરિઝમ પોલીસ

4/18/2024 10:46:05 PM

 

ટુરિસ્ટ

       વડોદરા ગ્રામ્ય જિલ્લાની હદમાં ગુજરાતભરમાંથી કે ગુજરાત બહારથી આવતા તથા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જિલ્લા પોલીસતંત્ર દ્વારા એક અલાયદી વ્યવસ્થાનું તંત્ર હાથ ધરવા માટે તજવીજ થઈ રહી છે. જિલ્લામાં પ્રવાસ માટેનાં સ્થળો, ધાર્મિક સ્થળો વગેરે ખાતે પ્રવાસમાં આવતા પ્રવાસીઓ માટે વિશેષ યુનિફોર્મધારી પોલીસના માણસોને તૈનાત કરવાની કામગીરી ટૂંકમાં કરવામાં આવનાર છે, જેઓને પ્રવાસીઓને મદદરૂપ થવા માટેની તાલીમ અને માહિતી સાથે ફરજ માટે તૈનાત કરવામાં આવશે. જિલ્લા પોલીસતંત્રનો પ્રવાસીઓને મદદરૂપ થવાનો શક્યતઃ તમામ પ્રયાસ કરવાનો આશય છે.

ડભોઈ

    ડભોઇ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાનું નગર અને તાલુકા મથક છે. ડભોઇનું પ્રાચીન નામ દર્ભવતિ નગર હતું. દર્ભ નામનું ઉચ્ચ પ્રકારનું ઘાસ અહીં ઉગતું હોવાથી તેનું નામ દર્ભાવતિ પડ્યુ હતું. આખા ભારતીય ઉપખંડમાં ડભોઇ ખાતે સૌપ્રથમ જાહેર વીજળી ઘર બનાવવામાં આવ્યું હતું.

ડભોઇમાં ચાર દરવાજાઓ આવેલા છે, જે ચાર દિશાઓમાં આવેલા છે અને કિલ્લાની દિવાલમાં મધ્ય અને ખૂણા પર આવેલા છે. વિશળદેવ અને મુસ્લિમ શાસન સમયે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પૂર્વ દિશામાં આવેલ હીરા ભાગોળ, જે તેના શિલ્પી હીરાધર પરથી ઓળખાય છે, સુંદર કોતરણી ધરાવે છે. પશ્ચિમમાં વડોદરા ભાગોળ, ઉત્તરમાં મહુડી અથવા ચાંપાનેરી ભાગોળ અને દક્ષિણમાં નાંદોડી ભાગોળ આવેલા છે. 

ડભોઇ-મિયાંગામ વચ્ચે શરુ થયેલી પ્રથમ રેલ્વે, જે બળદગાડાં વડે ચાલતી હતી.

ડભોઇ ખાતે જગતભરનું સૌથી મોટું નેરોગેજ રેલવેનું જંકશન આવેલું છે.

 પોર તથા કાયાવરોહણ

 

      નેશનલ હાઈવે નં. ૮ ઉપર વડોદરા શહેરથી દક્ષિણ તરફ રર કિ.મી. દૂર પોર આવેલું છે. જ્યાં બળિયાદેવ બાપજીનું વર્ષો જૂનું મંદિર નવનિર્માણ પામેલું હોઇ યાત્રાનું અનોખું સ્થળ બન્યું છે. લગભગ આખુ વર્ષ દર રવિવાર અને ગુરુવારે અત્રે ગુજરાતભરમાંથી અને દેશભરમાંથી યાત્રિકો મોટી સંખ્યામાં આવે છે.પોરથી પૂર્વ દિશા તરફ ૯ કિ.મી. દુર કાયાવરોહણ તીર્થક્ષેત્ર આવેલું છે. જંયાં ભગવાનશ્રી શંકરનું ત્રિલોક દર્શન મંદિર આવેલ છે. ઉપરાંત ગાયત્રી મઠ અને માતાજીનાં મંદિરો છે. તેથી આ સ્થળ પણ પ્રવાસીઓ અને યાત્રીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

 

  •  ચાણોદ –

         જ્યાં ત્રિવેણી સંગમતીર્થ હોઇ દેશભરમાંથી યાત્રિકો ત્રિવેણી સ્નાન અર્થે તથા નર્મદા કિનારે અને સંગમ તટ ઉપર વિવિધ ધાર્મિક વિધિઓ કરાવવા માટે આવે છે. નજીકમાં કુબેર ભંડારીનું મંદિર પણ ધાર્મિક આસ્થાનું સ્થળ છે. આ મંદિર પણ નર્મદા નદીના કિનારે આવ્યું છે, તેથી લોકો ત્યાં પણ દર્શનાર્થે આવે છે.

  •  આજવા -

     વડોદરાથી પૂર્વ તરફ ર૦ કિ.મી. દૂર આવેલું છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનનું આઉટ પોસ્ટ છે. સુંદર નયનરમ્ય બગીચા માટે વિખ્યાત છે. તેમ જ વિશાળ સરોવર માટે પણ વિખ્યાત છે. ડાન્સિંગ ફુવારાઓ અને ફન વર્લ્ડ તથા વોટર વર્લ્ડ એ પ્રવાસીઓ માટેનું આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે શરદ પૂનમના દિવસે લોકો ત્યાં ફરવા માટે આવે છે અને રમણીય વાતાવરણની મજા માણે છે.